અમેરિકા અને દક્ષિણ કોરિયાના દાવા મુજબ, ઉત્તર કોરિયા લાંબા સમયથી સરકાર સમર્થિત સાયબર હેકિંગ યુનિટનો ઉપયોગ જાસૂસી, નાણાકીય ચોરી અને નફાખોરી માટે કરી રહ્યું છે. તાજેતરમાં, દક્ષિણ કોરિયાની એક સાયબર સુરક્ષા કંપની ‘જીનીઓન્સ’ દ્વારા જાહેર કરાયેલા અહેવાલ અનુસાર, ઉત્તર કોરિયાના કુખ્યાત હેકિંગ જૂથ ‘કિમસુકી’એ સાયબર હુમલાઓને સ્વચાલિત કરવા, ચોરાયેલા ડેટાનું વિશ્લેષણ કરવા અને અત્યંત વિશ્વાસપાત્ર ફિશિંગ ઝુંબેશ ચલાવવા માટે અત્યાધુનિક AI ટૂલ્સ વિકસાવ્યા છે. 

ઉત્તર કોરિયાનું ખતરનાક પગલું

તપાસ દરમિયાન જાણવા મળ્યું છે કે આ જૂથે પોતાના કમ્પ્યુટર પર જ AI મોડેલ્સ ચલાવવા માટે ઓલામા, GPT4All અને Msty જેવા ટૂલ્સ સેટ કર્યા છે. આ ઉપરાંત, દસ્તાવેજોમાંથી માહિતી મેળવવા માટે ‘Retrieval Augmented Generation’ (RAG) ટેકનિકનો ઉપયોગ કરવામાં આવ્યો છે. આ પદ્ધતિના કારણે હેકર્સને કોઈપણ સંવેદનશીલ કે ચોરાયેલી માહિતી બાહ્ય AI કંપનીઓને મોકલવાની જરૂર પડતી નથી, જેનાથી તેમની પ્રવૃત્તિઓ ખાનગી રહે છે. સુરક્ષા કંપનીને AI એજન્ટ્સ બનાવવાના ફ્રેમવર્ક, સ્પીચ-ટુ-ટેક્સ્ટ સોફ્ટવેર અને કોડિંગ માટે ઉપયોગમાં લેવાતું ‘કર્સર’ ટૂલ પણ મળી આવ્યું છે.

વધુ વાંચોહજુ આ દાવાઓની કોઇ પુષ્ટિ નથી કરાઇ

આ પુરાવા સ્પષ્ટ કરે છે કે કિમસુકી જૂથ હવે માત્ર નકલી મેસેજ મોકલવા પૂરતું મર્યાદિત નથી, પરંતુ તે માલવેર બનાવવા, ચોરાયેલા ડેટાનું વિશ્લેષણ કરવા અને સાયબર હુમલાઓને સંપૂર્ણપણે સ્વચાલિત કરવા માટે AI નો ભરપૂર ઉપયોગ કરી રહ્યું છે. આ સિવાય, ફાઇનાન્સ અને ક્રિપ્ટોકરન્સી સાથે સંકળાયેલા એવા નકલી દસ્તાવેજો પણ મળી આવ્યા છે જે અસલી રોકાણ અહેવાલો જેવા જ દેખાય છે, જોકે આ દાવાઓની સ્વતંત્ર પુષ્ટિ હજુ બાકી છે.

 વ્યૂહાત્મક લક્ષ્યોને પાર પાડવા કરાઇ રહ્યું છે આ કામ

અમેરિકા અને દક્ષિણ કોરિયાની સરકારો તથા સાયબર સુરક્ષા નિષ્ણાતોના મતે, આ જૂથ ઉત્તર કોરિયાના તાનાશાહ કિમ જોંગ ઉનના વ્યૂહાત્મક લક્ષ્યોને પાર પાડવા માટે ગુપ્ત માહિતી એકત્રિત કરવાનું કામ કરે છે. અગાઉ 2023માં યુએસ ટ્રેઝરી વિભાગ દ્વારા કિમસુકી જૂથ પર સત્તાવાર પ્રતિબંધો પણ મૂકવામાં આવ્યા હતા. AI ટેક્નોલોજીના આ જોખમી ઉપયોગથી વૈશ્વિક સાયબર સુરક્ષા સામે એક મોટો પડકાર ઊભો થયો છે.

આ પણ વાંચોઃ  China માં ડોલ્ફિન વાવાઝોડાંનો કહેર, 1300 ફ્લાઇટ રદ્દ, 3.9 લાખ લોકોનું સ્થળાંતર